ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ ગળા-ફાંસો ખાઈ આપ-ઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં ભાગ લઈ રહેલી 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ NRI હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારી પાસે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મહેશ્વરી ખાચર મૂળ બોટાદની વતની હતી અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી હતી. તે એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. હાલમાં યુનિવર્સિટીમાં NSS કેમ્પ હોવાથી મહેશ્વરી ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. મહેશ્વરી સવારથી ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કાર્યક્રમોમાં હાજર હતી. સાંજે એરપોર્ટ ખાતે NSSના કાર્યક્રમ માટે કોલકાતાથી આવનાર મહેમાનોને લેવા જવાનું આયોજન હતું. તે માટે મહેશ્વરીને પણ સાથે જવાનું હતું. પરંતુ બપોરે લગભગ 3:30 વાગ્યે તે ગુજરાત યુનિવર્સિટીના શ્યામપ્રસાદ મુખર્જી હોલમાંથી નીકળી હતી અને ત્યારબાદ પરત ફરી ન હતી.
લાંબા સમય સુધી મહેશ્વરી દેખાઈ ન આવતાં એક પ્રોફેસરે તેની એક મિત્ર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસ ખાતે જઈ બોલાવી લાવવા મોકલી હતી. મિત્ર જ્યારે ગેસ્ટ હાઉસના રૂમમાં પહોંચી ત્યારે મહેશ્વરી બારી પાસે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
મિત્ર વિદ્યાર્થિનીએ તરત જ અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને માહિતી આપવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ તેમજ FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. હાલ વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો તે બાબતે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.