×
CrimeGujaratSouth GujaratSurat

સુરતમાં ભાજપના યુવા નેતા જય દલાલની હત્યા મામલે મોટો ખુલાસો

Suratમાં ભાજપ ડીંડોલી યુવા મોરચાના 21 વર્ષીય ઉપપ્રમુખ જય દલાલની હત્યા માત્ર સામાન્ય ઝઘડાનું પરિણામ નહોતી, પરંતુ એક પૂર્વનિયોજિત ષડયંત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. હત્યાની રાત્રે આરોપીઓએ ડીંડોલી બ્રિજ નીચે અંધારામાં દારૂ અને બિયરની મહેફિલ જમાવી હતી. નશાની હાલતમાં રહેલા આરોપીઓના મનમાં માત્ર એક જ અદાવત હતી — ‘પાસા’ હેઠળ જેલમાં જવાનું વેર.

તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલી કુખ્યાત ‘ચકલી ગેંગ’ને શંકા હતી કે જય દલાલે પોલીસ સાથે મળીને તેમને જેલમાં મોકલાવવામાં ભૂમિકા ભજવી હતી. આ જ અદાવતના કારણે આરોપીઓએ જયને બિયર પીવાના બહાને બોલાવ્યો અને બાદમાં તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. મૃતકની માતા જયશ્રીબેન દલાલે પણ આરોપ મૂક્યો છે કે, “પાસામાંથી છૂટ્યા બાદ આરોપીઓએ મારા દીકરાને નિશાન બનાવ્યો.”

હત્યાના બનાવ બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તપાસ દરમિયાન એક નવી વિગતો પણ સામે આવી છે કે જય દલાલનો એક સ્થાનિક પોલીસકર્મી સાથે સતત સંપર્ક હતો. પોલીસ હાલ આ કનેક્શન અને પાસાની કાર્યવાહી વચ્ચેની લિંકની પણ તપાસ કરી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓએ પાસાની અદાવત રાખીને જ હત્યા કરી છે.આ ઉપરાંત, જય પર હુમલો થયો ત્યારે ઘટનાસ્થળે હાજર રહેલા બે લોકોને પોલીસે અટકાયત કરી છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

મુખ્ય આરોપીઓ કિશન ઉર્ફે ચકલી, મિલિન્દ અને પંકજ પાટીલ હત્યા બાદ તરત જ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓનું છેલ્લું લોકેશન Jalgaon આસપાસ મળ્યું છે. જેના પગલે સુરત પોલીસ દ્વારા ચાર અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે અને એક ટીમ જલગાંવ રવાના કરવામાં આવી છે. સાથે જ બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પહેલા આરોપીઓ અને જય દલાલે સાથે બેસીને દારૂ અને બિયર પીધી હતી. મૃતકના પિતા નગીનભાઈ દલાલના જણાવ્યા અનુસાર, આરોપી મિલિન્દ અને તેના સાગરીતોએ જયને બિયર પીવા માટે બોલાવ્યો હતો. લોનો અભ્યાસ કરતા જયે ઉદારતા દાખવી તેમને હોટલ નજીક બિયર પીવડાવી હતી. જોકે બાદમાં વાતાવરણ તંગ બનતા જય ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીઓએ તેને ડીંડોલી બ્રિજ નીચે ઘેરી લીધો અને ચપ્પુના ચાર ઘા મારીને લોહીલુહાણ કરી દીધો હતો.

મૃતકની માતાએ વધુમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મુખ્ય આરોપીઓ હિસ્ટ્રીશીટર ટપોરીઓ છે અને અગાઉ ‘પાસા’ હેઠળ જેલમાં હતા. તેઓને એવી શંકા હતી કે તેમને જેલમાં મોકલાવવા પાછળ જયનો હાથ હતો. માતાએ કહ્યું કે, “મારો દીકરો કોઈ પોલીસ કે મંત્રી નહોતો કે કોઈને પાસા કરાવી શકે. માત્ર શંકાના આધારે મારા 21 વર્ષના દીકરાની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી.”

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડ પાછળ જૂની ગેંગવોર અને દારૂના અડ્ડાના વિવાદનું પણ કનેક્શન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યાં હુમલો થયો ત્યાં નજીકમાં જ એક મહિલા બુટલેગરનો ગેરકાયદેસર દારૂનો અડ્ડો ચાલતો હોવાની માહિતી સામે આવી છે. અગાઉ 11 ફેબ્રુઆરીએ ચકલી ગેંગના સભ્યોએ નિખિલ મોરે નામના યુવક પર હુમલો કર્યો હતો, ત્યારથી જ વિસ્તારમાં દુશ્મની વધી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. પોલીસે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ વધુ તેજ કરી છે.