દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 87 પૈસાનો વધારો થતાં હવે તે ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 91 પૈસા મોંઘું બની ₹92.49 પ્રતિ લિટર થયું છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલ ₹99.07 અને ડીઝલ ₹94.99 પ્રતિ લિટર સુધી પહોંચી જતા વાહનચાલકોમાં ચિંતા વધી છે.
છેલ્લા 9 દિવસમાં આ ત્રીજી વખત ઇંધણના ભાવમાં વધારો નોંધાયો છે. આ પહેલાં 19 મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો, જ્યારે 15 મેના રોજ પ્રતિ લિટર ₹3નો મોટો વધારો ઝીંકાયો હતો. સતત વધી રહેલા ભાવોથી સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.
ઇંધણના ભાવ વધતા હવે માલભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. ટ્રક અને ટેમ્પોના ભાડાં વધવાથી અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળફળાદિ અને રાશનની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. બીજી તરફ ખેડૂતો માટે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવાનો ખર્ચ પણ વધી જશે, જેના કારણે કૃષિ ઉત્પાદન મોંઘું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જાહેર પરિવહન, સ્કૂલ બસ અને ઓટો રિક્ષાના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ પહેલાં ક્રૂડ ઓઇલનો ભાવ આશરે 70 ડોલર પ્રતિ બેરલ હતો, જે હવે વધીને 100 ડોલરને પાર પહોંચી ગયો છે.
ક્રૂડ મોંઘું થતાં સરકારી તેલ કંપનીઓ પર ભારે આર્થિક દબાણ વધ્યું છે. સરકારના જણાવ્યા મુજબ Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan Petroleum જેવી કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને LPGના વેચાણ પર દર મહિને આશરે ₹30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પણ આ નુકસાનની પુષ્ટિ કરી છે.
નોંધનીય છે કે દેશમાં માર્ચ 2024થી પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમય સુધી સ્થિર રાખવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલાં સરકારે જનતાને રાહત આપવા માટે ઇંધણના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. જોકે ટેક્નિકલ રીતે કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતોના આધારે દરરોજ ભાવમાં ફેરફાર કરી શકે છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 કરવામાં આવી હતી, જ્યારે ડીઝલ પરની ડ્યુટી ₹10થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી. તેમ છતાં વૈશ્વિક બજારમાં વધતા ક્રૂડના ભાવોને કારણે હવે દેશમાં ફરી ઇંધણ મોંઘું બન્યું છે.