GujaratAhmedabad

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી કરાશે

ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી ની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ ભરતી સાથે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરી કરવાનો ઈરાદો રહેલો છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ ભરતીમાં સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકલા અને સંગીત જેવા વિષયોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકશે.

જ્યારે આ ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. આ અગાઉ ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે ભરતી ની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીઓને લઇને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજીત 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાશે. જેમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. એવામાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

ગુજરાત સરકાર દ્વરા રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં તેને લઈને અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી તેના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. એવામાં હવે એક સાથે ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.