GujaratMehsanaNorth Gujarat

દહેગામ લિહોડા ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નું મોટું નિવેદન

ગાંધીનગરના લિહોડા ગામમાં દેશી દારૂ નો કહેર જોવા મળ્યો છે. લિહોડા ગામમાં દેશી દારૂના લીધે બે લોકો કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય સારવાર હેઠળ રહેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ મામલે રાજકીય નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સાત બુટલેગરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાંપા ગામનાં કુંવરજી ડાભી, રાજેશ ઠાકોર, લિહોડા ગામનાં પ્રતાપસિંહ ઠાકોર, દિલીપ ઠાકોર, દીનાજી ઠાકોર, ધીરજ ઠાકોર અને કનુજી ઠાકોરના બુટલેગરોની ધરપકડ ની સાથે તેમની પાસેથી દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેની સાથે સેમ્પલ લઈને FSL માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ FSL  નો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. રાજનીતિ નહિ પરંતુ સામાજિક દુષણ સામે સખ્તાઈ પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ જાણકારી આજ સાંજ સુધી આપી દેવાશે. ઉચ્ચકક્ષાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અગાઉ લીહોડા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગામમાં ખુલ્લેઆમ દારૂ વેંચાઈ રહ્યો છે. આ સાથે લીહોડા ગામના સરપંચ માનસિંહ ઝાલા દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે, બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે. જ્યારે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ સાથે વર્ષો પસાર થયા હોવા છતાં બીટ જમાદારની બદલી પણ કરવામાં આવી નથી.