South GujaratGujaratValsad

વલસાડમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલો બ્રિજ થયો ધરાશાયી

ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકા માં બ્રિજ તૂટ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વલસાડ ના પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલર નમીને આડા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઓવરબ્રિજ કેવી ગુણવત્તામાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને સવાલ ઉભા થયા છે.

જાણકારી મુજબ, વલસાડ જિલ્લાના પારડી ના ઉમરસાડી માછીવાડ ગામમાં દરિયાકાંઠે આઠ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજનો એક પીલર ધરાશાયી થતા ભારે દોડધામ થઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, પારડીના ઉમરસાડી માછીવાડ ગામમાં દરિયાકાંઠે પર્યટકોને આકર્ષવા અને ટુરિસ્ટ પોઇન્ટ વિકસાવવા અમદાવાદ ના અટલ બ્રિજની જેમ આઠ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એજન્સી મારફતે દરિયાકાંઠે બ્રિજ નિમાર્ણની કામગીરી કરવામાં આવી રહી હતી. તેમ છતાં આ કામગીરી 50 ટકા પૂર્ણ કરવામાં આવ્યા બાદ કોઈ કારણોસર કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

તેની સાથે ઘટનાની જાણકારી મળતા અધિકારી સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. દરિયાઈ ધોવાણ અને ભારે વરસાદના લીધે ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ ઘટના કેવી રીતે બની તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. આ સિવાય બેદરકારી કે, હલકી ગુણવત્તા ના મટરિયલ નો ઉપયોગ કરવાને લીધે બની હશે તો જવાબદારો સામે સખ્ત પગલાં ભરવામાં આવશે.