અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટમાં તમામ દુકાનો-મોલ બંધ: જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જ મળશે
દેશ સહીત રાજ્યમાં કોરોના વાયરસના કેસ જે ગતિ થી વધી રહ્યા છે એ જોતા સાવચેતીના ભાગરૂપે આગામી 25મી માર્ચ સુધી ગુજરાતના ચાર મહાનગરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દવાઓ, શાકભાજી, કરીયાણું, જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે.
અન્ય દુકાનો અને મોલ 25મી માર્ચ સુધી બંધ રહેશે તેવી સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કચેરીમાં, બોર્ડ નિગમોમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તમામ અધિકારીઓના માત્ર 50 ટકા જ 29મી માર્ચ સુધી હાજર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડ ની સુવિધા ઉભી કરવાનો નિર્ણય કર્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે,કોરોના વાયરસ ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયત્રંણની કામગીરી હાથ ધરી શકાય તે માટે એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અન્વયે રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020” લાગુ કરવામાં આવેલ છે.
અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં સરકારી સેવાઓ, દૂધ-શાકભાજી,ક્રિયાનું તેમજ પ્રોવિઝનલ સ્ટોર ચાલુ રહેશે.મેડિકલ સ્ટોર, દવાખાના-હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી પણ ચાલુ રહેશે. વીજળી સેવાઓ,વીમા કંપની,આઇટી સેવાઓ, રેલવે-ટ્રાન્સપોર્ટેશન સેવાઓ, મીડિયા-સમાચારપત્રો,પેટ્રોલપમ્પ,પાણી પુરવઠો, બેન્ક-એટીએમ, તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન પણ ચાલુ જ રહશે.