AhmedabadGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 લાખની લૂંટના કેસમાં બે આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદમાં થયેલ 50 લાખની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે 150 કિલોમીટર સુધી હજારો CCTV કેમેરાના રેકોર્ડિંગ તપસ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ઝડપી પાડેલ આરોપીઓમાં એકનું નામ પ્રતીક પણવેકર અને બીજાનું નામ વિશાલ સિંધી છે. ગત 28 એપ્રિલના રોજ આરોપીઓએ તેમના બીજા સાગરીતો સાથે મળીને નવરંગપુરા વિસ્તારમાંથી 50 લાખ રૂપિયાની લૂંટ કરી હતી અને ત્યારપછી આરોપી ત્યાંથી આણંદ ખાતે ભાગી ગયો હતો. લૂંટ કર્યા પછી આરોપીઓએ અંદરો અંદર રૂપિયાના ભાગ પણ પાડી લીધા હતા.

પોલીસ તપાસ અનુસાર, આરોપીઓએ થોફ દિવસ સુધી રેકી કરી ત્યારપછી ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ચાલાકી વાપરીને લૂંટ કરીને તરત જ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ કોઈ મેઈન હાઈ-વેથી નહિ પણ અંદરના રસ્તેથી જ્યાંથી કોઈ આવતું જતું ના હોય. આરોપીઓને ઝડપી પાડવા માટે થઈને પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા તપાસ્યા હતા. આરોપી વિશાલે તો લુંટીને લીધેલા રૂપિયાથી એક બાઈક પણ ખરીદી લીધી હતી.

તમને જણાવી દઈએ કે, આરોપી વિશાલ સિંધી આ પહેલા પણ બે લૂંટ કરી ચૂક્યો હતો, પરંતુ તે ઝડપાયો ન હતો. હાલ તો પોલીસ આ લૂંટના કેસમાં ફરાર થયેલા બીજા આરોપી પવન સિંધી તેમજ બીજા એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસ વધુ તેજ કરી છે.