અમદાવાદ: પોલીસે શાકની લારીઓ ઉંધી પાડી દીધી, વિડીયો વાયરલ થતા PI સસ્પેન્ડ
અમદાવાદ: કોરોના મહામારી ને કારણે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે લોકો ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જ બહાર જઈ શકે છે. સરકારે લોકોને કરિયાણું લેવા જવાની પણ છૂટ આપી છે પણ અમદાવાદનો એક વિડીયો આજે વાયરલ થયો છે જેમાં પોલીસ શાકભાજી ની લારીઓ ઊંધી પાડી રહી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે શાકની લારીઓ ઊંધી પાડી દીધી હતી. લોકોનું કહેવું છે કે પોલીસવાળાએ શાકની લારી ઉંધી વાળી એના કરતા ગરીબ લોકોને શાકભાજી પહોંચાડયુ હોત તો સારું હતુ. આ વિડીયો ગણતરીના કલાકમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. વીડિયો વાઇરલ થતાં ડીજીપી શિવાનંદ ઝાએ તેની નોંધ લીધી હતી.
ડીજીપીના આદેશથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે લોકોએ પણ પોલીસ સાથે મળીએ કામ કરવું જોઈએ.કોરોના ની મહામારીના ભાગરૂપે લોકોએ કામ વગર બહાર ન નીકળવું જોઈએ.