અમદાવાદવાસીઓ માટે ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. કેમ કે, અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવવાની છે. જેમાં રોંગ સાઈડ જનાર લોકોની ધરપકડ કરાશે. વાહનચાલકોને પછી પોલીસ સ્ટેશનમાં જઈને જામીન લેવા પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલ થી 30 જૂન સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર વાહનચાલકોને દંડ લેવામાં આવશે નહીં. પરંતુ વાહન ચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના લીધે વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તેના લીધે મૃત્યુદર અને ગંભીર ઈજા ની ઘટનાઓમાં સતત વધારો થયો છે. આ કારણોસર અમદાવાદમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 10 દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22/06/2024 થી 30/06/2024 સુધી સમગ્ર શહેરમાં ચાલશે.
તમને જણાવી દઈએ કે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ કેસો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ IPC-279 તથા MV Act-184 અનુસાર FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.