AhmedabadGujarat

અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી આગાહી, રાજ્યમાં હજુ વધારે કાળઝાળ ગરમી પડશે

હાલ રાજ્યમાં તાપમાનનો પારો વધતા ગરમી વધી રહી છે. અમદાવાદમાં પણ હવામાન વિભાગે 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. 11 અને 12 મેના રોજ અમદાવાદમાં તાપમાનનો પારો વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો હજુ વધશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં 12મેથી તાપમાનનો પારો વધીને 44 ડિગ્રી સુધી પહોચશે. આજથી આંધી તેમજ વંટોળનુ પ્રમાણ પણ વધશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યગુજરાતમાં આંધી-વંટોળ જેવું વાતાવરણ જોવા મળશે. આ સાથે જ રાજ્યમાં 18 મે સુધી ભારે ગરમી પડશે. અંબાલાલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 થી 24 મે દરમિયાન વરસાદ પડશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, અરબ સાગરમાં 28 મે થી 10 જૂન ચક્રાવાત ઉભુ થશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે શરૂઆતનુ ચોમાસુ સારુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિના દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો હતો. જ્યારે મે મહિનામાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં. જો કે, આગામી બે દિવસમાં રાજ્યનું તાપમાન કદાચ એકાદ ડિગ્રી વધી શકે છે. રાજ્યના બે જિલ્લા કચ્છ અને પોરબંદરમાં તાપમાન 45 ડિગ્રીને વટાવી શકે છે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે.