સગાઈ કરીને ઘરે જઈ રહેલા પરિવારની ખુશી રસ્તામાં થયેલ અકસ્માતે છીનવી
જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મોરબીનો આ પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા માટે આજે ખંભાળિયા ગયેલો હતો. એવામાં સગાઈ કરીને આ પરિવાર કારમાં ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે ખટિયા ગામના પાટિયા પાસેથી આવી રહેલી એક અન્ય કાર ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક સહિત ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીમાં રહેનાર ખાણધર પરિવારના પુત્રની આજે ખંભાળિયામાં સગાઈનો પ્રસંગ રહેલો હતો. તેના લીધે પરિવારના સભ્યો કારમાં સવાર થઈને ખંભાળિયા આવ્યા હતા. ખંભાળિયા સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ જામનગર તરફ સ્વીફ્ટ કારમાં તે ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે વોક્સવેગન કાર ડીવાઈડર કૂદી બીજી તરફ આવી ગઈ હતી અને સ્વીફ્ટ કાર સાથે અથડાઈ ગઈ હતી. તેના લીધે આજે જેની સગાઈ હતી તે ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી કુલ ચાર લોકોના આ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, અકસ્માતના લીધે કારનું પડીકું વળી ગયું હતું. કારમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા 108 ની ટીમને જાણ કરવામાં આવતા 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેના દ્વારા ઈજાગ્રસ્તને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહિલાની જીભ કાળી થઇ ગઈ અને ઉગ્યા વાળ, જોઈને ડોક્ટરો પણ ધ્રુજી ગયા
તેની સાથે તમને જણાવી દઈએ કે, સ્વીફ્ટ કાર સાથે જે વોક્સવેગન કાર અથડાઈ તે કારના ચાલકનું નામ જીત કનખરા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં તેને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને પણ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.