હાલના સમયમાં પરિવારને ચલાવવા માટે પરિવારના દરેક સભ્યોએ તનતોડ મહેનત કરવી પડે છે. આવી મોંઘવારીના સમયમાં હવે એક વ્યક્તિથી પરિવારનું પૂરું ન થતા પતિ સાથે પત્ની પણ કામ કરે છે. ત્યારે માંડ આ મોંઘવારીના સમયમાં ઘરનું ગાડું ચાલે છે. જ્યારે બીજી તરફ મોંઘવારી એ પણ એવી માજા મૂકી છે કે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જ્યારે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ, સીએનજી (CNG) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા મોંઘવારી વચ્ચે સીએનજી ના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડવાનો છે.
તમને જણાવી દઈએ કે, પહેલા સીએનજી નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોને મુશ્કેલીમાં વધારો થશે. તેની સાથે ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધવાનો છે. જ્યારે રીક્ષા ના ભાડામાં પણ વધારો થશે તેની અસર મુસાફરોના બજેટ પર પડવાની છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો વધવાનો છે
તેના સિવાય મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળવાનો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.