લગ્ન અને મરણ પ્રસંગોમાં સામાજિક કેટલાક રીતરિવાજો એવા હોય છે કે જેમાં રૂપિયાનો ખોટો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાતના એક પછી એક ઘણા સમાજના આગેવાનો હવે આ રીતરિવાજોમાં સુધારો કરી રહ્યા છે. ઠાકોર,પાટીદાર અને આંજણા ચૌધરી સમાજ બાદ હવે મેઘવાળ સમાજ પણ લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા અને એવા રીતરિવાજોમાં સુધારો કરવા આગળ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ મેઘવાળ સમાજના વિવિધ ગોળ અને પરગણાના આગેવાનો એક મંચ પર ભેગા થયા હતા. અને આ દરમિયાન સમાજના સૌ આગેવાનો દ્વારા સામાજિક ઓરિવર્તન માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં લગ્ન અને મરણ પ્રસંગોમાં ખર્ચાળ રીત રિવાજો અને પરંપરાઓને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગેવાનોએ ચર્ચા કરી કે, લગ્ન અને મરણ પ્રસંગમાં કેટલાક રીતરિવાજો એવા છે જેમાં રૂપિયાનો ખોટો વ્યય થતો હોય છે. તેથી સમાજના લોકોના પૈસાની બચત થાય તે હેતુથી સામાજિક પ્રસંગોમાં ખર્ચાળ રીતરિવાજો હોય તેને બંધ કરવા સૌ આગેવાનોએ નિર્ણય કર્યો હતો. આગેવાનોની મીટિંગના અંતે સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે, સમાજ માટે બંધારણ લવાશે તેમજ સમાજના હિતમાં નવા નિર્મયો કરવામાં આવશે.
આમ, સમાજના આગેવાનોએ સામાજિક પ્રસંગોના રીતિરિવાજોમાં પરિવર્તન લાવવા મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી હતી. આગેવાનોએ કહ્યું કે, આજના મોંઘવારીના સમયમાં સમાજના લોકોના પૈસાની બચત થાય અને કોઈ ખોટા ખર્ચ ના થયાય તે માટે નિર્ણય કરવામાં આવશે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘવાળ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. વાવ, થરાદ અને સુઇગામ પંથકમાં 42 ગોળ, 48 ગોળ, 82 ગોળ, 10ગોળ, 32 ગામનું ગોળ જેવાં 235 પરગણાંમાં મેઘવાળ સમાજ વહેંચાયેલો છે. ત્યારે મેઘવાલ સમાજના તમામ ગોળના આગેવાનોએ એક મંચ પર આવીને સામાજિક પરિવર્તન અને સમાજ સુધારણા માટે નિર્ણય કર્યો છે.