GujaratJamnagarSaurashtra

12 બાઇકોની ચોરી કરીને વેચવા જતા જ પોલીસે દરોડા પડયા

જામનગર શહેરમાં સીટી. એ. ડિવિઝન પોલીસે 12 જેટલા બાઈક ચોરીમાં હોમગાર્ડ તેમજ GRD જવાન સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં 12 ચોરીના બાઈક રાખી તે બાઇકોને વેચવાની તજવીજ કરનાર ચારેય શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ શખ્સોએ ગુનો કબૂલાત જણાવ્યું કે તેમણે છ મહિનામાં બાઈક ઉઠાવી છે. આ ગુનામાં હોમગાર્ડ જવાન અને GRD જવાનની પણ સંડોવણી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે.

પોલીસને બાતમી મળી હતી કે, જામનગર શહેરના રણજીત સાગર રોડ ખાતે આવેલા વસંત વાટીકા પાસેના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કેટલાક શખ્સો ભેગા થયા છે અને તે તમામ લોકો ચોરીની મોટરસાયકલ વેચવાની તજવીજ કરી રહ્યા છે. ત્યારે જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. ચાવડાએ આ બાતમીના આધારે શનિવારે બપોરના સમયે પોલીસ સ્ટેશનના સ્ટાફને વસંત વાટિકા પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડો પાડવાની સૂચના આપીને દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડ્યા ત્યારે ત્યાં વસંત વાટિકામાં વસવાટ કરતો દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભા, નંદનવન પાર્ક-રમાં વસવાટ કરતો યોગીરાજસિંહ વેલુભા જાડેજા, નંદનવન સોસાયટી-૧માં વસવાટ કરતો વિજયસિંહ હઠીસિંહ જાડેજા તેમજ નાઘેડીનો મુકેશ પાલાભાઈ માડમ ઉર્ફે કારીયો નામના ચાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લિધો હતો.

આરોપીઓએ જણાવ્યું કે, તેઓએ છેલ્લા છ મહિનામાં જામનગર શહેર તેમજ રણજીતસાગર રોડ, કનસુમરા પાટિયા, પરથી 12 બાઈક ચોરી હતી. પોલીસે તમામ બાઇક કબજે કરીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.