AhmedabadGujarat

ડોક્ટરની પત્નીએ ભરણપોષણમાં વધારો કરવાની અરજી કરતા જ પતિ પોતાનો ભાંડો ફોડીને થઈ ગયો ફરાર

ભરણપોષણના કેસમાં અમુક વખત એવી હકીકતો સામે આવતી હોય છે જે ક્યારેય સપને પણ ના વિચારી હોય. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. અમદાવાદમાં એક ડોક્ટરની પત્નીએ ભરણપોષણમાં વધારો કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી તો પતિએ તેના વકીલ મારફતે પોતે ડોકટર નથી એવું જણાવીને પોતાનો જ ભાંડો ફોડી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બોગસ ડોકટર બનીને લોકોની સારવાર કરનાર પતિ વિરુદ્ધ હાલ તો ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 તેમજ IPC કલમ 336 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં અમદાવાદમાં રહેતા 39 વર્ષની ઉંમરના પલકેશ ગજ્જરની પત્ની દિપાલી ઠક્કરે ફેમિલી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી. ફેમિલી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દંપતીના સગીર પુત્ર માટે મહિને 5,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવામાં આવે. ત્યારે પત્નીએ આ આદેશને હાઇકોર્ટમાં પડકારીને ભરણપોષણની રકમ 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની માંગ કરી હતી.

નોંધનીય છે કે, 17 માર્ચ, 2023 ના રોજ મહિલાનાના વકીલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, મહિલાનો પતિ પલકેશ ગજ્જર વ્યવસાયે એક ડોક્ટર છે. ત્યારે તેમના સગીર પુત્રના ઉછેર તેમજ સારસંભાળ માટે મહિને 5000 નહિ પણ 10,000 રૂપિયા આપવામાં આવે. ત્યારે 20 એપ્રિલના રોજ પલકેશ ગાજકરના વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે પલકેશ પાસે કોઈ ડીગ્રી જ નથી. અને એફિડેવિટ કર્યું કે પલકેશ બી.કોમના પ્રથમ વર્ષમાં ફેલ થયો છે. ત્યારે પલકેશ ગજ્જરની પત્નીએ પલકેશના ક્લિનિક, ‘શિવમ હોસ્પિટલ’ના ફોટોગ્રાફ્સ હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. જેને લઈને હાઈકોર્ટે આ સમગ્ર મામલે પોલીસને તપાસ માટે નિર્દેશ કર્યો હતો. આપ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પલકેશ ગજ્જર પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી નથી, ત્યારપછી તેની વિરુદ્ધ ગુણક નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લગભગ દોઢ મહિના પહેલા જ ગજ્જર પોતાના ત્રણેય ક્લિનિક બંધ કરીને ફરાર થઇ ગયો છે. હાલ તો પોલીસ પલકેશ ગજ્જર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની તાજવીજ શરૂ કરી છે.