AhmedabadGujaratMadhya Gujarat

લોકોના કહેવાથી બીમાર બાળકીને મંદિરે લઈ જઈને આપ્યા ડામ, બાળકીની હાલત બગડતા તાત્કાલિક કરવી પડી દાખલ

વિજ્ઞાન અને ટેકનોલોજીના આ જમાનામાં મેડિકલ સાયન્સે પણ ખૂબ વિકાસ કર્યો છે. પરંતુ આજે પણ ઘણા લોકો બીમાર પડે તો ડોકટર પાસે જવાના બદલે તાંત્રિક અને ભુવા પાસે જતા હોય છે. અને પછી પાછળથી મુસીબતમાં મુકાઈ જવું પડતું હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક 10 મહિનાની માસુમ બાળકી બીમાર થઈ જતા તેને પહેલા દવાખાને લઈ ગયા પરંતુ આરામ ના પડતા બાળકીને એક મંદિરે લઈ જઈને ડામ આપવામાં આવ્યા હતા. ત્યારે માસુમ બાળકીને આ રીતે ડામ આપવાની બાબતને લઈને હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતેના વતની પ્રવીણ સુરેલાની 10 મહિનાની માસુમ બાળકી બીમાર થઈ હતી. તેને શરદી-ઉધરસ તેમજ હાંફ ચડતો હોવાના કારણે બાળકીને એક ક્લિનિકમાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા. જોકે બાળકીની સારવાર મોટી હોસ્પિટલમાં કરવા માટે 20 થી 30 હજાર રૂપિયા ખર્ચ થતો હતો. ત્યારે અન્ય લોકોએ બાળકીના માતા પિતાને કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આવેલા સિકોતેર માતાજીના મંદિરે બાળકીને લઈ જાઓ તેને સારું થઈ જશે.

તેથી લોકોના કહેવા પ્રમાણે બાળકીના માતા પિતા બાળકીને ત્યાં મંદિરે લઈ ગયા હતા. જ્યાં વળકીના પેટના ભાગે ત્યાં મંદિરમાં હાજર ભુઈમા સકરિબેને સોઈ દ્વારા 3 જેટલા ડામ આપતા બાળકીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાના કારણે તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU વોર્ડમાં એડમિટ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, વિજ્ઞાન જાથા જેવી અનેક સંસ્થાઓ સતત અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરતી હોય છે. પરંતુ તેમ છતાં પણ આવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. અને અંધશ્રદ્ધાના કારણે લોકો મોટી મુસીબતમાં મુકાઈ જતા હોય છે.