
અમદાવાદના મણિનગર વિસ્તારથી મોટા સમાચાર સામે આવ્યા છે. મણીનગરના ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાઈ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેલેરીનો ભાગ તૂટતા બીજા અને ત્રીજા માળમાં રહેનાર લોકોનો ઘરની બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગની બારીમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવતા તમામ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેની સાથે એક સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલ છે. ત્રણ માળના સ્લમ ક્વાર્ટર્સમાં 15 થી 20 જેટલા પરિવારો વસવાટ કરે છે. આજે સવારના સમયે બીજા માળની ગેલેરીનો એક ભાગ થોડો તૂટી ગયો હતો. એવામાં થોડો અવાજ આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યારે ખાસ ઘટના ન બની હોય તેમ ત્યાં રહેનાર લોકો ધ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. એવામાં થોડા સમયમાં જ અચાનક જ બીજા ને ત્રીજા માળની ગેલેરીનો આખો ભાગ તૂટી ગયો હતો. ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા મણિનગર અને જશોદાનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
જ્યારે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળ પર રહેનાર લોકોને ઈમારતની પાછળના ભાગની બારીનો ભાગ તોડીને ઘરની બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં એક સારી વાત એ રહી છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી.