200 વર્ષ જુના મંદિરમાં ભુવા સ્થાપવા આવેલા ભુવાઓને વિજ્ઞાન જાથાની ટીમે કર્યા જેલ ભેગા
આપણા ત્યાં આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ ઘણા લોકો અંધશ્રધ્ધામાં માનતા હોય છે. આજે પણ ગુજરાત સહિત ભારતના અનેક ગામડાઓમાં લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય છે. ત્યારે વિજ્ઞાન જાથાની રાજકોટની ટીમ દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા નામના ગામ પાસે આવેલ આણંદપર ગામમાં લોકોની સામે જ ચાર ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અને તમામ ભુવાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
વિજ્ઞાનજાથાના ચેરમેન અને એડવોકેટ એવા જયંત પંડ્યાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આ ગામમાં ટંકારિયા પરિવારનો 200 જેટલા વર્ષ જુનો એક મઢ આ આવેલો છે. ત્યારે આ મંદિરના નવા ભૂવા સ્થાપવા માટેનું ટાંકારીયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં ભુવાઓએ ધુણવાનું અને સ્મશાનની અંદર બેસીને તાંત્રિક વિધિ કરી અને ત્યારપછી સ્મશાનનના ખાટલા પર સુઈ જઇને ચારેય દિશાનું વિધિ વિધાન કર્યુ હતું. અને ભય તેમજ દહેશતનો માહોલ બને તેમજ કોઈને માનસિક ઈજા થાય એવુ કૃત્ય આ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન જાથા આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે.
જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, આપણે બધા 21મી સદીની દુનિયામાં જીવી રહ્યાં છીએ. આજના ટેકનોલોજીના જમાનામાં લોકો ઘણા આગળ નીકળી ગયા છે. અંધશ્રદ્ધા ના ફેલાય તે માટે ભુવા સ્થાપવાની વિધિ તમામ સમાજના લોકોએ બંધ કરેલી છે. તેમ છતા પણ ટંકારિયા પરિવાર દ્વારા આ રીતે ભુવા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે લોકોની સામે જ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને તમામ ભુવાઓને પોલીસને સોંપી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.