GujaratAhmedabad

ગુજરાત સરકારનો મોટો નિર્ણય; વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના ભાવમાં કર્યો મોટો ઘટાડો

વીજ ગ્રાહકો ના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જ માં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજ્યની સરકાર હસ્તકની વીજ કંપનીઓના 1.70 કરોડ ગ્રાહકોને તેનો ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજીત 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં અંદાજીત રૂ. 1340 કરોડની બચત થઈ જશે.

ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર થી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસુલાત કરાઈ હતી. એવામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કોલસા અને ગેસના ભાવમાં ઘટાડા ને લીધે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે તેના લીધે પાછલા ત્રિમાસિક ગાળા ની સરખામણીમાં ફ્યુઅલ સરચાર્જ ના દરમાં ઘટાડો થયેલ છે. તેના લીધે જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35 પ્રતિ યુનિટ થી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો બંને છે.

ઊર્જા મંત્રી દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના લીધે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ના અંદાજીત 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ-2024ના ત્રિમાસિક ગાળામાં અંદાજીત રૂ.1340 કરોડનો લાભ મળશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટ નો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાના લીધે અંદાજીત રૂ.51 ની માસિક બચત થઈ જશે.