GujaratAhmedabad

ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં ક્ષત્રિયો નહીં કરે વિરોધ

લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લી અને 2 જી મે ના આ બે દિવસમાં છ જનસભાઓ યોજવાના છે. એવામાં રાજ્યમાં હાલ ક્ષત્રિય આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે. ક્ષત્રિયો દ્વારા ભાજપના કાર્યક્રમો અને જનસભાઓમાં જઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રાજ્યમાં વડાપ્રધાન મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ કરશે નહીં. આ બાબતમાં સંકલન સમિતિ દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે નહીં. વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન કરવા અંગેનો પરિપત્ર ક્ષત્રિય સમાજ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

તેની સાથે આ પરિપત્ર જાહેર કરવાની સાથે ગુજરાત રાજય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા તમામ ક્ષત્રિય સમાજને સુચનાઓ આપવામાં આવી છે કે કોઇની સુરક્ષા જોખમાઇ તેવું કામ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે નહીં. તેમ છતાં ક્ષત્રિય સમાજનું આંદોલન રાબેતા અનુસાર ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલ છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભા ઓ યોજવાના છે.  જાણકારી મુજબ, 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક યોજીને વિજય વિશ્વાસ સભા સંબોધવાના છે. આ સભા ડીસા ના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે બપોરના 2.30 વાગ્યે યોજાવાની છે. ત્યાર બાદ સાબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા ને આવરી લઇ ને વિજય વિશ્વાસ સભા સાંજે 4.15 વાગ્યાના સમયગાળામાં હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે થવાની છે.

તેની સાથે 2 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભા ને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગર ના શાસ્ત્રી મેદાન ખાતે સવારના 10 વાગ્યે સંબોધવાના છે. ત્યાર બાદ તે સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભા ઓ ગજવવાના છે. બપોરના 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા ને આવરી લઇ ને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગર ના ત્રિમંદિર મેદાનમાં સંબોધવાના છે.

ત્યારબાદ બપોરના જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢપોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભા ને આવરી લઇ ને વિજય વિશ્વાસ સભા સંબોધવાના છે. જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજના 4.15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધવાના છે.