AhmedabadGujarat

ખેડૂતોને લઈને મોટા સમાચાર, કૃષિમંત્રીએ પાક નુકસાની માટે ૩૫૦ કરોડનું જાહેર કર્યું પેકેજ

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે પાકની નુકશાની પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે તેમના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, આ રાહત પેકેજ માટે ખેડૂતોને 350 કરોડ રૂપિયા ચુકવાશે.

તમને જણાવી દઈએ કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં નવ જીલ્લાનાં 45 તાલુકામાં અંદાજીત 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા અંદાજીત 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય પ્રાપ્ત થવાની છે.

આ બાબતમાં કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહેલો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહેશે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કામાં  નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું છે. ભારે વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.