GujaratRajkotSaurashtra

રાજકોટમાં ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસો

રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ પકડતા તંત્ર દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં વધુ મોટી જાણકારી સામે આવી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર આતંકી હુમલાને અંજામ આપવાની આતંકવાદી તૈયારીઓ રહેલી હતી. આ ત્રણેય આતંકીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લેવામાં આવી હતી. તેની સાથે આતંકીઓ દ્વારા પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા રહેલી છે. આગામી દિવસોમાં ત્રણેય આતંકવાદીઓની રાજકોટ લાવીને વધુ તપાસ કરવામાં આવશે.

જાણકારી મુજબ, ગુજરાત ATS દ્વારા સાળા-બનેવી સહિત વધુ ત્રણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 12 શકમંદોની પૂછપરછ કરતા સ્થાનિક મોડ્યુલની જાણકારી પણ પ્રાપ્ત થઈ છે. મોબાઈલ ફોનની તપાસ કરતા અન્ય શંકાસ્પદ સંપર્કો પણ મળી આવ્યા છે. ત્રણ આતંકી સાથે વધુ 2 હેન્ડલર અંગે પણ પ્રાથમિક જાણકારી મળી આવી છે. જ્યારે તે પણ જાણવા મળ્યું છે કે, ત્રણ આતંકી પૈકી 2 આતંકવાદીઓ દ્વારા રેલવે સ્ટેશન પર રેકી પણ કરવામાં આવી હતી.

રાજકોટમાં આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ હવે બંગાળી કારીગરોના આઈકાર્ડ ઈશ્યૂ કરાવાનો પણ નિર્ણય લેવાયો છે. એવામાં હવે બીજા પ્રાંતમાંથી આવેલા કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. વેપારીઓ દ્વારા તમામ કારીગરોની જાણકારી પોલીસને આપવી ફરિજયાત રહેશે. રજિસ્ટ્રેશન બાદ કારીગરોને ID કાર્ડ આપવામાં આવશે.

નોંધનીય છે કે, ગુજરાત એટીએસની ટીમ દ્વારા રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સોની બજારમાં કામ કરી રહ્યા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હતા.  તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ પણ મળી આવ્યા છે.