GujaratAhmedabad

ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….

લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય સમાજને મનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે 5 મેં સાંજના પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા જ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમથી ક્ષત્રિય સમાજને વિનંતી કરતો પત્ર જાહેર કરાયો છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા આ પત્રમાં સંયુકત નિવેદન આપીને ભાજપને સમર્થન આપવા વિનંતી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ભાજપના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ દ્વારા સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, માંધાતા સિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભા સભ્ય), બળવંતસિંહ રાજપૂત (મંત્રી), જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સી. કે. રાઉલજી (ધારાસભ્ય), અરુણ સિંહ રાણા (ધારાસભ્ય) વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય) અને પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય) દ્વારા એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, ભાજપાની ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું પણ યશસ્વી પ્રદાન રહેલ છે. આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપીને સમર્થન આપે તેવી અમારા સૌની હૃદય પૂર્વકની ક્ષત્રિય સમાજને અપીલ રહેલ છે.

તેની સાથે આ તમામ ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજી મહા સત્તા બનવા તરફ જઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય રહેલ છે. આપણા સૌના સહકારથી નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપી આ પ્રક્રિયામાં સહભાગી બનીએ, તે આપણા સૌનું રાષ્ટ્રીય કર્તવ્ય રહેલ છે.

જ્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગેલ છે. સૌના આઘાતની આ લાગણીને તુરત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પુરુષોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની માફી પણ માગેલ છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘ભૂલ મેં કરી છે; તો તેની સજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શા માટે કરો છો?’ એમ કહીને પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા અવારનવાર માફી પણ માંગવામાં આવી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી ‘ક્ષમાં વિરસ્ય ભૂષણમ’ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવે. એવામાં હવે પત્રને લઈને ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.