AhmedabadGujarat

અમદાવાદના ગુમ કુશ પટેલની લંડનમાં લાશ મળી, આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો

વિદેશથી ફરી એક આપઘાત ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાના યુવક દ્વારા લંડનમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લંડનમાં આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. હાલમાં યુવકના મૃતદેહને લંડન શબ ઘરમાં રખાયો હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક નવ મહિના અગાઉ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયેલો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ નિયમિત પરિવારજનો સાથે ફોન પર વાતચીત પણ કરતો રહેતો હતો. પરંતુ 11 મી ઓગસ્ટ બાદ તેનો ફોન ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારજનો દ્વારા 2 દિવસ રાહ જોયા બાદ લંડન રહેનારકુશના મિત્રોને આ મામલામાં જાણ કરી હતી. તેના લીધે આ મિત્રો કુશના ઘરે પહોંચ્યા પરંતુ તેમને કુશ મળ્યો નહોતો.

ત્યાર બાદ તેમના દ્વારા કુશની શોધખોળ શરુ કરવામાં આવી હતી. તેમને અનેક જગ્યાએ કુશની તપાસ કરી પરંતુ તે મળ્યો નહોતો. આ કારણોસર વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ ફરિયાદના આધારે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જ્યારે લોકેશનના આધારે પણ તપાસ શરુ કરવામાં આવી હતી. જ્યારે તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસેથી મળી આવ્યું હતું. ત્યાં જઈને તપાસ કરી તો પોલીસને કુશ ત્યાં પણ મળ્યો નહોતો.

ત્યાર બાદ 19 મી ઓગસ્ટની રાત્રીના લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળ્યો હતો. પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાના લીધે પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવવામાં આવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થયા હતા. તેના આધારે પોલીસ દ્વારા આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા આ અંગેની જાણ કુશના મિત્રોને તથા કુશના પરિવારજનોને કરી દેવામાં આવતા પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ દ્વારા આપઘાત કરવા પાછળનું કારણ તપાસતા જાણકારી સામે અવી છે કે, યુવકે આર્થિક સંકડામણના લીધે લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો.