વિશ્વભરમાં આજે 10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજવામાં આવી હતી. જ્યાં 2500 લોકો દ્વારા એક સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા પણ સૌની સાથે મળીને યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવાનો શ્રેય આપણા પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. તેમની પ્રેરણાથી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 મી જૂન ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે કાશ્મીરમાં દાલ લેકના કિનારે યોગ કરવામાં આવ્યા હતા. સાત હજાર જેટલા લોકો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ દિવસની સવારે સોશિયલ મીડિયામાં લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવામાં આવી છે. જેમા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય? આવો, આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના..