ઉત્તરાયણ પર્વની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ તહેવારમાં ધારધાર દોરીના લીધે અનેક પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે. એવામાં પક્ષીઓને બચાવવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ બાબતમાં ઉત્તરાયણ પહેલા જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત થનારા પક્ષીઓની સારવાર અને દવા માટે 2017 થી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલના આધારે અત્યાર સુધીમાં છ વર્ષમાં 85 હજાર પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી 75 હજાર પક્ષીઓનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પતંગની દોરીના લીધે ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓમાંથી મોટાભાગના પક્ષીઓને બચાવી લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે. એવામાં જો તમે તમારી આજુબાજુ પણ કોઇ ઘાયલ પંખી જોવો તો વન વિભાગના 1926 નંબર અને પશુપાલન વિભાગના 1962 નંબર પર કોલ કરી આ અંગે જાણકારી આપી શકો છો.
જ્યારે આ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા બાદ સ્વયંસેવકો દ્વારા પક્ષી સુધી પહોંચી તેની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 216 વેટરનિટી ડોક્ટર અને 2805 સ્વયંસેવકો પક્ષીઓની બચાવવા માટે ખડેપગે રહેવાના છે. જયારે સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે.