ગુજરાતમાં લોકસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં પક્ષ-વિપક્ષ દ્વારા સામ-સામે એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે, સત્તાના અહંકાર અને અસ્મિતા વચ્ચેની લડાઇ શરૂ થઇ ગઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાટીદાર આંદોલન સામે ભાજપ દ્વારા સંઘર્ષ કરી 14 દીકારાઓ શહીદ કરવામાં આવ્યા છે. ઉનામાં દલિતકાંડ બાદ આંદોલન સામે સરકાર દ્વારા સંવાદ નહીં પણ સંઘર્ષ કર્યો છે. તેની સાથે વધુમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ ત્યારે ભાજપ દ્વારા અહંકાર બતાવવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ સાથે સંવાદ કર્યો હોત તો આવી સ્થિતી ઉભી ના થાત.
આ સિવાય શક્તિસિંહ દ્વારા મોંઘવારી મુદ્દે જણાવવામાં આવ્યું છે કે, 400 નો ગેસનો બાટલો 1100 નો થઈ ગયેલ છે તેમજ ખેડૂતોના ખર્ચ બમણા થયા પણ આવક હજુ સુધી બમણી થયેલ નથી. જૂની ગેરંટી જે આપી તેની કોઈ વાત કરી નથી. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક રીતે નબળો પડેલ છે, આજના પીએમની ઉંમર કરતા ડોલર આગળ નીકળી ગયેલ છે.
તેની સાથે બંધારણ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, બંધારણ બન્યું ત્યારે જ કોંગ્રસની સરકાર રહેલી હતી. 60 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં હતી અમે બંધારણમાં કોઈ બદલાવ કર્યો નહોતો. લખીને આપો તમે બંધારણ નહી બદલાવો તેવી વાતો ભાજપ દ્વારા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ઉદ્યોગકારોના 16 લાખ કરોડ કેમ માફ કર્યા તેનો જવાબ આપેલ નથી. દેશના 22 વ્યક્તિ પાસે જેટલી સંપત્તિ છે તેટલી દેશના 70 કરોડ લોકો પાસે માંડ રહેલ છે.