AhmedabadGujarat

રાજ્યમાં આંખ આવવાના કેસોમાં ધરખમ વધારો, આ રોગથી બચવા રાખો આટલી કાળજી

રોગચાળાએ હાલ રાજ્યમાં ભરડો લીધો છે. હાલ ચોમાસાની ઋતુ હોવાના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગ તો લોકોને થઈ જ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે લોકોમાં કન્જક્ટીવાઈટીસ  ની એટલે કે આંખ આવવાની સમસ્યા ખૂબ વધી છે. સામાન્ય રીતે નાના બાળકોમાં આ સમસ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે. કોરોનાની અસર દરમ્યાન જે લોકોએ સ્ટીરોઇડ લીધા હોય તેમને કન્જક્ટીવાઈટીસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોવાનું તબીબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદરેક દિવસથી સમગ્ર રાજ્યમાં કન્જક્ટીવાઈટીસ ના એટલે કે આંખ આવવાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ રોગમાં આંખો લાલ થઇ જાય છે અને આંખમાં સમસ્યા રહેતી હોય છે. છેલ્લા એક અઠવાડિયા ની વાત ક્રિવ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12થી વધુ કન્જક્ટીવાઈટીસ એટલે કે આંખ આવવાના દર્દીઓ નોંધાયા છે. તો 200થી વધુ કેસ દરરોજ વડોદરા સિવિલમાં પણ નોંધાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હાલ રાજ્યમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યામાં વધારો થતા સતર્ક બન્યું છે.

નોંધનીય છે કે, દિવસેને દિવસે કન્જક્ટીવાઈટીસ ના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે થઈને ખાસ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે આ રોગથી બચવા આપણે સૌએ વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, ભીડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, સમયાંતરે હાથ અને મોં સાબુથી ધોતા રહેવું, આંખમાં લાલાશ લાગે તો તરત જ ડૉક્ટર પાસે જઈને સારવાર શરૂ કરાવવી, ડોક્ટરની સલાહ વિના કોઈ પણ આંખના ટીપાં નાખવા નહી. ટીપાં નાંખો તે પહેલા અને તે પછી તમારા હાથ ધોવા, બને તે ચશ્મા આંખો પર પહેરી રાખવા, આંખમાંથી આંસુ નીકળે તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરીને તેને લૂછી કાઢવા અને ડસ્ટબીનમાં તે ટીશ્યુ પેપર ફેંકી દેવું. આમ આ રોગથી બચવા માટે આ તમામ કાળજી રાખવી ખૂબ જરૂરી છે.