ભૂતપૂર્વ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કેસને લઈને આવ્યા મોટા સમાચાર, જામીન રદ થતાં થયા ફરાર
ગુજરાતના ચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ના કેસને લઈને નવી જાણકારી સામે આવી છે. સુત્રો મુજબ જાણકારી મળી છે કે, જામીન પર રહેલા નીતા ચૌધરી ફરાર થઈ ગયા છે. મંગળવારના રોજ ભચાઉ કોર્ટ સમક્ષ નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા હતા. તે સમયે ભચાઉ કોર્ટ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ના જામીન રદ્દ કરી ધરપકડનો આદેશ આપવામાં આવ્યો હતો.
જ્યારે નીતા ચૌધરીના જામીન રદ્દ કરવામાં આવતા પોલીસ તેમને પકડવા આદિપુર સ્થિત તેમના ઘરે પહોંચી તેમની ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું હતું. ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને ત્યાર બાદ તેમના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને પરત ફરવું પડ્યું હતું. પોલીસની કાર્યવાહીના લીધે નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજા દ્વારા થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ ક્રિયા હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે સમયે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ રહેલા હતા. આ મામલામાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટ દ્વરા તેમને જામીન આપવામાં આવ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટ દ્વારા નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જામીન રદ્દ થતા પોલીસ દ્વારા તેમને પકડવા જતા નીતા ચૌધરી ફરાર થઈ ગયેલા જોવા મળ્યા હતા.
તેની સાથે પોલીસકર્મી નીતા ચૌધરીની વાત કરીએ તો તે અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચુક્યા છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં રહેલા હતા. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા હતા.