AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પિતાએ ઠાલવી વેદના, કહ્યું 4 લાખ નહિ પણ ન્યાય આપો

ઈસ્કોન બ્રિજ પર બુધવારના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત પામેલ લોકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાત પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ આ મામલે કહ્યું કે અમારે પૈસા નહિ ન્યાય જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ ખાતે બુધવારના રોજ મોડી રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે શોકનો માહોલ છે. ત્યારે આ ભયંકર અકસ્માતમાં બોટાદ જિલ્લાના 23 વર્ષની ઉંમરના કૃણાલ કોડિયાનું પણ મોત નીપજ્યું હતું. કૃણાલના પિતાએ રાજ્ય સરકાર તરફથી જે 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે તેને લઈને વેદના ઠાલવતા કહ્યું કે, અમારે સરકાર દ્વારા જાહેર કરવા આવેલ 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી. અમારે તો ન્યાય જોઈએ છે. આરોપીને સજા કરીને અમારા છોકરાને ન્યાય આપો.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રીજ પર થયેલ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને સ્થળમ્પર જઈને લોકોને ધમકાવનાર તેના પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો આ કેસને મોસ્ટ સિરિયસ અને મોસ્ટ અરજન્ટ તરીકે ટ્રીટ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવહે તેવું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.