VadodaraGujarat

વડોદરા માં પૂરમાં ફસાયેલા વિદેશીઓનું બુલ્ડોઝરથી કરાયું રેસ્ક્યૂ

રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. તેની સાથે વડોદરામાં પણ વરસાદી પાણી ભરાઈ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરામાં પૂરના પાણીમાં ફસાયેલા વિદેશીઓને બુલડોઝર દ્વારા પૂરના પાણીમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિદેશીઓ બુલડોઝર પર ઉભા રહેલા છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવેલુ હતું. આ લોકો વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયેલા હતા. એવામાં સોમવારના ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ ઉભી થતા આ વિસ્તારમાં આવેલ અનેક હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.

ત્યાર બાદ બાદ તંત્ર દ્વારા પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં છ જેટલા વિદેશી પ્રવાસીઓના એક જૂથને પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગામી ભાગમાં રાખી બહાર કાઢવામાં આવ્યા હતા.

તેમ છતાં આ દરમિયાન વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. એવામાં આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે જણાવી દઈએ કે, વડોદરા સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતી કાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. આવતી કાલના રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તેની સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી છે.