GujaratAhmedabad

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા ભાજપમાં જોડાતા જ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે એક બાદ એક ધારાસભ્યો દ્વારા પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ યાદીમાં વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ જોડાઈ ગયું છે. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા દ્વારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, વિજાપુર ખાતે સી જે ચાવડા સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ દરમિયાન હાજર રહ્યાં હતાં.

તેની સાથે સી. જે. ચાવડાની સફરની વાત કરીએ તો તેમની કોંગ્રેસ લાંબી સફર રહી છે. ઘણા સમયથી કોંગ્રેસની સાથે રહેલા સી. જે. ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. તેની સાથે તેમણે જણાવ્યું છે કે, મેં ધારાસભ્ય પદથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધેલ છે. વધુમાં જણાવ્યું કે, હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મને જે પણ કામગીરી આપવામાં આવશે તે કામગીરી હું કરીશ. મને ખબર છે કે, આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે રસ્તા પર ચાલી રહી છે તે રસ્તા પર હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકેલ છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય રહેલ નથી.