ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 239 કેસ: અમદાવાદમાં કુલ 1378 કેસ, રાજ્યમાં કુલ 2178 કેસ
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 18,601 થઈ છે ત્યારે હવે ગુજરાતમાં પણ હાલત ગંભીર બની ગઈ છે. ગુજરાતમાં ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કોરોના ના કેસ વધતા જ જાય છે.આજે અમદાવાદની LG હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટર અને 1 નર્સને કોરોના નો ચેપ લાગ્યો છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2178એ પહોંચ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ 19 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં મૃત્યુઆંક 90 ઉપર પહોંચ્યો છે.ગુજરાતમાં કુલ 139 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. અમદાવાદમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર અમદાવાદ ખાતે SVPમાં શરૂ કરવામાં આવ્યું છે અને એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન પણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હાલ 2178 પોઝિટિવ દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં 13 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.14 લોકો વેન્ટિલેટર પર છે અને 1935 ની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 36829 ટેસ્ટમાંથી 2178 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં હોટસ્પોટ એરિયામાં વધારે ટેસ્ટ કરવામાં આવી રહયા છે.
જિલ્લા મુજબ કુલ કેસની વાત વાત કરીએ તો અમદાવાદમાં કુલ 1378 કેસ, વડોદરામાં 194 કેસ, સુરતમાં 347 કેસ, રાજકોટમાં 40 કેસ,ભાવનગરમાં 32 કેસ, આણંદ માં 28 કેસ,ભરૂચ 24 કેસ, ગાંધીનગરમાં 17 કેસ, પાટણમાં 15 કેસ, પંચમહાલમાં 11 કેસ,બનાસકાંઠામાં 15 કેસ,નર્મદા માં 12 કેસ,છોટા ઉદેપુરમાં 7 કેસ,કચ્છમાં 6 કેસ, મહેસાણા અને બોટાદમાં 7-7 કેસ,પોરબંદરમાં 3,દાહોદમાં 4, ગીર-સોમનાથમાં 3,ખેડામાં 3, જામનગરમાં 1, મોરબીમાં 1,સાબરકાઠાંમાં 3, અરવલ્લીમાં 12,મહીસાગરમાં 3,તાપીમાં 1,વલસાડમાં 3 અને નવસારીમાં એક કેસ નોંધાયો છે.