GujaratAhmedabad

ગુજરાતી સિંગર વિજય સુવાડાની કરવામાં આવી ધરપકડ, જાણો શું સમગ્ર મામલો?

લોકગાયક વિજય સુવાડાને લઈને મોટી જાણકારી સામે આવી છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાડા હાજર થતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને આગાળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, વિજય સુવાડા અને તેના ભાઈ સહિત 40 થી વધુ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા અને જમીન દલાલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે મામલામાં તેમની ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડા અને તેમના ભાઈઓ અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિજય સુવાડા 20 થી વધુ ગાડીઓ અને 10 થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથીયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરાયો છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેનાર અને જમીન લે-વેચનો ધંધો કરનાર એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા અને રેન્ચુ શેઠ સહિત 40 થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાના પ્રયાસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, દિનેશ દેસાઈ રાજકીય આગેવાન રહેલા છે અને રાજકીય કિનનાખોરી રાખીને આ કૃત્ય કરેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે વિજય સુવાડા દ્વારા ફરિયાદને ખોટી કહીને પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો ત્યારે દિનેશ દેસાઈ સમાજની યુવતીઓની મશ્કરી કરતા હોવાની અનેક ફરિયાદ મળતા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. જ્યારે ખોટી પ્રસિદ્ધિ મેળવા અને બદનામ કરવા આ ફરિયાદ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવેલ હતો.

તેની સાથે જણાવી દઈએ કે, ઓઢવમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરનાર દિનેશ દેસાઈ અને વિજય સુવાડા પહેલા મિત્રો રહેલા હતા. જ્યારે સાત વર્ષ અગાઉ બન્નેની મુલાકાત થઈ હતી અને તે સમયે વિજય સુવાડા સ્ટેજ શો કરતા હોવાના લીધે અવારનવાર દિનેશ દેસાઈ સાથે તે મળતા રહેતા હતા. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મુળ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020 માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ બાબતના સંબંધમાં ખટાસ આવી જતા બંનેના સંબંધ તૂટી ગયા હતા. પ્રથમ જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર રહેલા હતા તે સમયે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં તેમને આક્ષેપ કર્યો હતો. પરંતુ આ દરમિયાન દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી નાખતા જુદા-જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એવામાં થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને આવી ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.

એવામાં ઓઢવ પોલીસ દ્વારા આ વિવાદ મામલામાં ગુનો દાખલ કરીને વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો હતો તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એવામાં હાલમાં આ મામલામાં  વિજય સુવાડા પોલીસ સ્ટેશનમાં હાજર થતા ઓઢવ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને આ મામલામાં કાર્યવાહી હાથ ધરી છે.