AhmedabadGujarat

સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લવાયા, હર્ષ સંઘવીએ ફૂલોથી કર્યું સ્વાગત

સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી હાથ ધરવામાં આવ્યું છે. તેમાં પણ આ  ખાસ કરીને ગુજરાતીઓ માટે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીના લીધે લગભગ ૩૦૦૦ થી વધુ ભારતીયોનો જીવ બચી ગયો છે. આ સાથે જ 72 જેટલા ગુજરાતીઓનો પણ જીવ બચી ગયો છે. તેમાથી 56 ને પહેલા ભારત અને પછી ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.

સુદાનમાં હાલમાં ગૃહયુદ્ધ જોરશોરથી ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં હવે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ 72 કલાકનો યુદ્ધવિરામ લગાવવામાં આવ્યો છે તેના લીધે ફસાયેલા વિદેશીઓને બહાર કાઢી શકાય. તેના લીધે ભારત સરકાર દ્વારા ગુજરાતી સહિતના ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી હાથ ધરવામાં આવ્યું હતું.  આ ઓપરેશનની વાત કરીએ તો તેને ગયા વર્ષે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નીકાળવા માટે સરકાર દ્વારા હાથ ધરેલા ઓપરેશનની યાદ અપાવી દીધી હતી. તે સમયે અનેક ભારતીય યુવાનોએ પગપાળા ચાલવાની ફરજ પડી હતી.

નોંધનીય છે કે, ગુજરાતના કુલ અત્યાર સુધીમાં 72 લોકોએ ભારત પરત આવવાની અરજી કરવામાં આવી હતી. તેમાંથી 56 ગુજરાતીઓને ભારત લાવવામાં આવ્યા છે અને તેમને તેમના વતન પહોંચાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા ગુલાબનું ફૂલ આપીને તમામને આવકારવામાં આવ્યા હતા. આ દરમિયાન સુદાનથી પરત આવેલા ગુજરાતીઓ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે, જો સરકારે આ પ્રકારનું ઓપરેશન હાથ ધર્યું ન હોત તો તેમના માટે આ રીતે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હોત.

સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેનાર ગુજરાતીઓને ઓપરેશન કાવેરી હેઠળ ભારત સરકાર દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હતા. 56 ગુજરાતી સુદાનથી મુંબઈ આવ્યા હતા. જેમાં મુંબઈથી અમદાવાદ આવવા માટે 44 ગુજરાતીઓ ગઈકાલના સાંજના નીકળ્યા હતા અને આજે સવારના તે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સુદાનથી આવેલા સૌ ગુજરાતીઓનું સ્વાગત અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુલાબના ફૂલ આપીને કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, સુદાનમાંથી ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધી 534 ભારતીય નાગરિકોને બહાર લાવવામાં આવ્યા છે. ભારત પોતાના બાકી રહેલા નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.