અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ૨૦ તારીખના રોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટ દ્વારા સોમવારની સાંજના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે. તેની સાથે આ કેસને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જયારે આજે આવી જ એક બાબત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસ્કોન બ્રીજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં અકસ્માત સમયે પોતે કારની બ્રેક માર ન હોવાની કબૂલાત કરી છે. બ્રિજ ચડતા સમયે રોડ ક્લિયર જોવા ન મળતા તેના દ્વારા બે વખત ડીપર મારવામાં આવી હતી, પરંતુ બ્રેક મારવામાં આવી નહોતી.. જો તથ્ય એ તે સમયે બ્રેક મારી દીધી હોત તો કદાચ આ નવ લોકોના જીવ બચી ગયો હોત. તેની સાથે હાલમાં રિમાન્ડ ઉપર રહેલા તથ્યની પૂછપરછમાં અનેક જાણકારી સામે આવી છે. આ સિવાય આરટીઓ દ્વારા બ્રેક તેમજ રોડ પરના સ્પોટના નમૂના લેવામાં આવ્યા છે તેના પરથી ખબર પડશે કે ગાડીની સ્પીડ કેટલી રહેલી હતી અને તથ્ય દ્વારા બ્રેક મારવામાં આવી હતી કે નહીં તેની સાચી જાણકારી પ્રાપ્ત થશે.
આ સિવાય સિંધુ ભવન રોડ પરના કાફેની દીવાલ પણ પોતે જ થાર ગાડી થી તોડી હોવાનું તથ્ય દ્વારા પોલીસ સમક્ષ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે તે થાર તથ્યના મિત્ર ની હોવાના લીધે પોલીસ દ્વારા કાર માલિક ની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પોલીસને એવી પણ શંકા છે કે, ઈસ્કોન બ્રિજ પર જે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે થાર તથ્ય ના મિત્રની જ રહેલી હતી અને થાર અને તથ્યની જેગુઆર વચ્ચે રેસ લગાવવામાં આવી હોય શકે છે. તેના લીધે પહેલા થાર થી અને ત્યારબાદ તથ્યની જેગુઆર થી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો.