
અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશનરના તંત્રને સખ્ત આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. કેમકે હવે જો તમે માવો ખાઈને અમદાવાદમાં ગમે ત્યાં થૂંકશો તો તમારી પાસેથી 50 થી 500 રૂ. દંડ તરીકે વસુલાશે.
નોંધનીય છે કે, તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ને નંબર વન પ્રાપ્ત થયો છે. ત્યારે હવે અમદાવાદ સ્વચ્છ ના મામલે સખ્તાઈ વર્તવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકવા બદલ હવે દંડ ફટકારવામાં આવી શકે છે. હવે જો કોઈ અમદાવાદી આવતા જતા વાહન પર થૂંકશે તો તેને AMC ની ટીમ દ્વારા પકડવામાં આવશે. તેના માટે તે વ્યક્તિ પાસેથી AMC દ્વારા 50 થી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે. આ સિવાય એએમસી તમારા ઘરે દંડ પણ મોકલી પણ શકશે.
તેની સાથે સીસીટીવી નેટવર્કથી પણ થૂંકનાર સામે પગલાં લેવા કમિશનરની સૂચના અપાઈ છે. આ અગાઉ પણ આ મુજબ ભૂતકાળ માં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઈ-મેમો ઘરે મોકલી વસૂલાતી દંડની રકમ 200 રૂપિયા અને ચાલતા જતી વ્યક્તિ ને AMC ટીમ દ્વારા પકડવામાં આવે તો 50 થી 100 નો દંડ ફટકારવામાં આવી શકે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ને ટીમ બનાવી આ અંગે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, એએમસી દ્વારા પેનલ્ટી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસમાં કુલ 135 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 135 લોકો પાસેથી 15,210 રૂપિયાનો દંડ વસુલાયો છે. તેની સાથે જ 6000 જેટલા લોકો સીસીટીવીમાં કેદ થયા હોવાની જાણકારી સામે છે. સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલાશે.