
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજએ તેમના સામાજીક સુધારા તેમજ સમૂહલગ્નના નિયમોને લઈને સમગ્ર સમાજ રવિવારના રોજ ધાનેરાની કોલેજના કેમ્પસમાં ભેગો મળી સમાજના નિયમોમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી કેટલાક ખર્ચાઓ ઉપર રોક અને યુવાનોને ફેશનેબલ દાઢી ના રાખવા બાબતે આગેવાનો દ્વારા સુધારા કરવામાં આવ્યા હતા. અને જે નિયમનો ભંગ કરવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે
ઉલ્લેખનિય છે કે, ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ દ્વારા કેટલાક સામાજીક સુધારા તેમજ સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે થઈને એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં તો સંત મહાત્મા હોય એ દાઢી રાખે પરંતુ યુવાનો આ પ્રકારે દાઢી રાખે એ આપણા સમાજને શોભતું નથી માટે યુવાનોએ દાઢી રાખવી જોઇએ નહીં. અને આમ યુવાનોએ દાઢી ના રાખવા ફરમાં જાહેર કરવામાં આવ્યું. અને જો કોઈ આ નિયમ તોડે છે તો દાઢી રાખનારને 51 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી જોગવાઇ કરાઇ છે.
નોંધનીય છે કે, ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનો તેમજ યુવાનોની બેઠકમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરાયું છે. તેમજ લગ્ન હોય કે મરણ હોય દરેક પ્રસંગમાં વ્યસનને હમેંશા માટે તીલાંજલિ આપવાનો પણ ઠરાવ કરાયો છે. અને જો કોઈ નિયમ તોડશે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે. સિવાય ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન જ બનાવડાવું અને પીરસવા માટે બહારથી કોઈ ભાડૂતી માણસો ના લાવવા માટેની પણ અપીલ કરાઈ છે ,તો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ તેમજ કોઈનો પણ જન્મદિવસ હોટલમાં મનાવવા પર સમાજ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ લગ્ન પ્રસંગમાં ફટાકડા પણ લિમિટમાં જ ફોડવા અને માત્ર પત્રિકા એક સાદી છપાવવા માટેનો પણ ઠરાવ કરાયો છે. ચૉધરી સમાજની આ બેઠકમાં સમાજીક સુધારણા વિષે ચર્ચાઓ કરાઇ હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે વિવિધ 22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ પસાર કરી તેનો કડક અમલ થાય તે માટે જોગવાઈ કરવામાં આવી હતી. જેને સમગ્ર સમાજે વધાવી લીધો છે.
54 ગામ ચૌધરી સમાજ-ફાળીયાવાળાના પ્રમુખ એવા રાયમલભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજમાં સુધારો તેમજ જાગૃતિ આવે તે માટે સમાજ દ્વારા 22 મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવ્યો છે. તો સમાજના આગેવાન એવા રાજનભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા સમાજે ખૂબ જ યોગ્ય નિર્ણયો કર્યા છે. યુવાનો ફેશનેબલ દાઢી રાખવા માટે સમય અને પૈસાનો વ્યય કરતા હોય છે માટે તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગ્નમાં કરવામાં આવતા ખોટા ખર્ચાઓને બદલે ગૌશાળામાં દાન અથવા તો કોઈ સામાજિક સંસ્થાઓમાં દાન કરીને સમાજને મજબુત બનાવવો જોઈએ.
મહત્વનું છે કે, ચૉધરી-આંજણા સમાજ દ્વારા બોલાવેલ સંમેલનમાં 22 પ્રકારના સામાજિક સુધારા માટેના ઠરાવ પસાર કરાતા સમાજના આગેવાનો તેમજ યુવાનોમાં ખુશી ફેલાઈ છે. સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે સમાજના લોકોના પૈસા વેડફાય નહિ અને તેનો સદુપયોગ થાય તેમજ સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી આ સામાજિક સુધારા કરવામાં આવ્યા છે. આમ 54 ગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા કરાયેલ સામાજિક સુધારાઓને સમાજના સૌ કોઈ લોકોએ વધાવી લીધા છે.