SaurashtraGujaratRajkot

પૂનમ માડમની રેલીમાં રાજપૂત સમાજના યુવાનોએ ભાજપનો કર્યો વિરોધ

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ગઈ કાલ રાત્રિના જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરના ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરાયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો પણ પહોંચી આવ્યા અને ‘ભાજપ હાય હાય’ ના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા અનેક યુવકોની અટકાયત કરવામાં આવી હતી.

જાણકારી અનુસાર, જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જામજોધપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજપૂત સમાજના યુવકો દ્વારા ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમ છતાં રાજપૂત સમાજના યુવાનો સભા સ્થળે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જામજોધપુર ખાતે એલસીબી પોલીસ સહિત ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા સહિતના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે રાજપૂત સમાજ દ્વારા ઠેર-ઠેર ભાજપનો વિરોધ કરાઈ રહ્યો છે. એવામાં જામજોધપુરમાં પૂનમ માડમના રોડ શો રૂટ પર રાજપૂત સમાજના યુવાનો આવી ગયા હતા અને ‘ભાજપ હાય હાય’ ના નારા લગાવવા લાગ્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા રાજપૂત સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.