શહેર હવે ડાયમંડ સિટીની સાથોસાથ અંગદાનના શહેર તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. ત્યારે હાલ સુરત શહેરના વધુ એક પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કરીને માનવતા મહેકાવી છે. જેમાં એક 68 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થતા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ત્યારપછી પરિવારે તેમના સ્વજનનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. લુહાણા ઠક્કર સમાજના બ્રેઈન ડેડ જાહેર કરાયેલા બિપીનકુમાર શામજીભાઈ દાસાણીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમ થકી બિપીનકુમારનું લીવર,કિડની અને તેમના ચક્ષુઓનું દાન કર્યું હતું. આમ આ પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેકાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અલગ અલગ અંગોના દાન કરાવીને દેશ તેમજ વિદેશના અત્યારસુધી એક હજારથી પણ વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, સિલિકોન પેલેસ અર્ચના સ્કૂલથી પર્વત પાટિયા રોડ સુરત મુકામે વસવાટ કરતા અને મૂળ પોરબંદરના એવા 68 વર્ષીય બિપીનકુમાર શામજીભાઈ દાસાણીને 31 માર્ચ સવારે વહેલા 5 વાગ્યે ખેંચ આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક અસરથી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમની સારવાર ન્યુરોફીઝીશયન ડો. નીરવ સુતરીયા કરી રહ્યા હતા. ત્યારે CT સ્કેનમાં તપાસ કરતા તેમને બ્રેઈન સ્ટ્રોક હોવાનું માલુમ થયું હતું. ત્યારે પરિવારજનોએ બીપજનકુમારને વધુ સારવાર અર્થે તા 2 એપ્રિલના રોજ સાંજના 87 વાગ્યે કિરણ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. અને ત્યારપછી બીજા દિવસે ત્યાં હાજર ડોકટરોની ટીમે બિપીનકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ત્યારે ડો. નિલેશ કાછડીયાએ આ અંગેની જાણ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાને કરતા ડોનેટ લાઈફની ટીમ તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચી હતી. અને ડૉ. મેહુલ પંચાલ સાથે રહી ડોનેટ લાઈફની ટિમ દ્વારા બિપીનકુમારના ધર્મપત્ની રેણુકાબેન, પુત્ર ધવલ,પુત્રી વૃંદા અને મોટાભાઈ હરીશભાઈને અંગદાન અંગેની સમજ આપીને સમગ્ર પ્રક્રિયા તેમજ તેનું શુ મહત્વ છે તે સમજાવ્યુ હતું.
બિપીનકુમારની પત્ની રેણુકાબેન અને પરિવારના અન્ય સભ્યોએ કહ્યું કે, અમે તો સ્વાધ્યાય પરિવારમાં માનીએ છીએ અને સ્વને માટે જીવવું તેના કરતાં દરવને માટે જીવન જીવવું એ જ અમને સ્વાધ્યાયમાં શીખવાડવામાં આવે છે. માટે અમને અમારા સ્વજનના અંગદાન થકી બીજા વ્યક્તિઓને નવજીવન મળશે તો તેની અમને ખુશી થશે.
નોંધનીય છે કે, પરિવારજનોએ અંગદાન કરવા માટેની સહમતિ દર્શાવતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા બીપીનકુમારની કિડની અને લિવર સુરત શહેરની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતા. કિરણ હોસ્પીટલના ડૉ. કલ્પેશ ગોહિલ, ડો. પ્રમોદ પટેલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડૉ.મુકેશ આહીર તેમજ તેમની સમગ્ર ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડૉ. ધર્મેશ ધાનાણી, ડો. પ્રશાંત રાવ, ડૉ. રવિ મોહન્કા, ડૉ. મિતુલ શાહ તેમજ તેમની ટીમે, ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.