ભુમાફિયા જયેશ પટેલના વળતા પાણી, લંડન કોર્ટે કર્યો આ મોટો નિર્ણય
ભુમાફિયા જયેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભુમાફિયા જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે જ જામનગર પોલીસની મહેનત સફળ રહી છે. વકીલ કિરીટ જોશીના મર્ડર અને ગુજસીટોકના આરોપીને ભારત પરત મોકલવાનો લંડન કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશ પટેલને ભારત લવાશે.
મહત્વની વાત એ છે કે, જામનગરમાં ચકચાર મચાવનાર વકીલ કિરીટ જોશી મર્ડર કેસ અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટ દ્વારા ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ તે અત્યાર સુધી જેલમાં બંધ રહેલ હતો.
આ દરમિયાન ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એવામાં પોલીસને અંતે સફળતા પ્રાપ્ત થઇ છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશ પટેલને ભારત પરત લાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, જયેશ પટેલ વકીલ કિરીટ જોશીના હત્યા કેસમાં ફરાર થયેલ હતો. તેના સામે બે વર્ષ અગાઉ લંડનમાં બોગસ પાસપોર્ટને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા રહેલ છે. ત્યારે બોગસ પાસપોર્ટને આધારે તે લંડન ગયો હતો. લંડન પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બીજી તરફ, ગુજરાત અને જામનગરમાં નોંધાયેલા કેસ બાબતમાં તેને ભારત પરત લાવવાના પ્રયત્ન પણ ચાલી રહ્યા હતા. ત્યારે વિદેશની ધરતી પર લાંબી કાયદાકીય લડાઈ બાદ તેને અંતે ભારત લાવી શકાશે.