AhmedabadGujarat

વડોદરામાં નવી બનતી ઇમારતની ભેખડ ધસી પડતા ચાર શ્રમજીવીઓ દટાયા, એકનું કરુણ મોત

વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ચકલી સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર બિલ્ડિંગમાં ફાઉન્ડેશનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા કામ કરી રહેલા ચાર મજૂરો દટાયા હોવાની જાણકારી સામે આવી છે. ઘટના સર્જાતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ  દ્વારા દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ભેખડ ધસી પડતા થોડા સમયમાં મજૂરો દટાઈ ગયા અને તેમાં એક મજુરનું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના શહેર ચકલી સર્કલ પાસે નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું. નિર્માણાધીન આ બિલ્ડિંગ સાઇટ પર ફાઉન્ડેશનમાં સેન્ટરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે ફાઉન્ડેશન માટે ખોદવામાં આવેલા ખાડામાં ઉતરી મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. એવામાં એકાએક ભેખડ ધસી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મજૂરો દટાઈ ગયા હતા. જેમાં દાહોદ-લીમડીના 25 વર્ષીય રમેશ પરમાર નું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના સર્જાતા જ સાઇટ ઉપર કામ કરી રહેલા મજૂરો મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ, મજૂરોથી માટી નીચે દબાયેલા સાથી મજૂરોને બહાર કાઢવા શક્યા ન હોવાના લીધે ફાયર બ્રિગેડને આ મામલામાં જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ભેખડ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના ટીમ ભેખડ નીચે દબાયેલા ચાર પૈકી ત્રણ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.  તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને ભેખડ નીચેથી બહાર કાઢવા માટે ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિક ગોત્રી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. કામગીરી દરમિયાન કોઈ અડચણ ઉભી ન થાય તે માટે ટોળાને સલામત સ્થળ પર પોલીસની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યું હતું.