ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદના વિરામ બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે પણ દિવસે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે તેના લીધે પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે આવતીકાલના રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા રાખવા ગાંધીનગરથી સૂચના આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખતા રાજ્યના અગ્રસચિવ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે 27 ઓગષ્ટના રજા રાખવા સૂચના આપવામાં આવી છે. આ બાબતમાં દરેક જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી દેવાઈ છે. તેની સાથે માધ્યમિક શાળાઓ અંગે પણ જાણકારી માંગવામાં આવી છે. જાણકારી બાદ માધ્યમિક શાળાઓમાં પણ રજા રાખવાની સૂચના આપવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
તેની સાથે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડાને લઈને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીના ખેરગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અહીં 24 કલાકમાં 18.20 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.