ગુજરાતમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, ફેસ્ટિવલમાં 68 દેશો ભાગ લેશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. G-20 થીમ ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ પર આધારિત ફેસ્ટિવલમાં 68 દેશોમાંથી લગભગ 125 પતંગબાજો ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ઉપરાંત દેશના 14 રાજ્યોમાંથી 65 કાઈટ ફ્લાયર્સ અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી 660 પતંગબાજો પણ આ ઈવેન્ટમાં ભાગ લેશે.
અઠવાડીયા સુધી ચાલનારા આ ફેસ્ટિવલનું 14 જાન્યુઆરીએ સમાપન થશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે કહ્યું કે પતંગોત્સવ એ આકાશને સ્પર્શવાની અને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તક છે કારણ કે પતંગ એ પ્રગતિ, સમૃદ્ધિ અને ઉડાનનું પ્રતીક છે.
તેમણે કહ્યું કે જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પતંગ ઉદ્યોગને વેગ મળ્યો હતો અને તે બે દાયકામાં રૂ.8-10 કરોડના ઉદ્યોગથી રૂ.625 કરોડનો ઉદ્યોગ થયો હતો અને 1.30 લાખ લોકોને રોજગારી મળી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કે ભારતમાં પ્રથમ વખત G-20 દેશોની યજમાની કરી રહ્યું છે અને આ શક્ય બન્યું છે કારણ કે વડા પ્રધાને વૈશ્વિક મંચોમાં ભારતની છબી મજબૂત કરી છે.
તેમણે કહ્યું કે ગુજરાત માટે ગર્વની વાત છે કે તેને 15 જી-20 બેઠકોની યજમાની કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે તે માટે અમે પ્રવાસન અને રોજગાર પર વિશેષ ભાર મૂક્યો છે. આજનો પતંગોત્સવ તેનું ઉદાહરણ છે.