AhmedabadGujarat

જેલમાં બંધ પતિના નામે વેપારીઓને ડરાવીને પત્ની ઉઘરાવતી હતી હપ્તા, પોલીસે ફરિયાદ નોંધીને કરી કાર્યવાહી

કેટલાક ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો વેપારીને ડરાવી ધમકાવીને તેની પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં હપ્તો ઉઘરાવનાર જેલમાં બંધ આરોપીના નામે ધમકી આપીને તેની પત્ની બહાર હપ્તો ઉઘરાવતી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાડજ પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપી માંથી એકનું નામ હિતેષ ઉર્ફે મેમરી ચાવડા અને બીજાનું નામ રાજુ ચાવડા છે. આ લોકો વેપારીઓને ધાક ધમકી આપીને તેમજ પરેશાન કરીને તેમની પાસેથી ખંડણી વસૂલતા હતા. ત્યારે આવા જ એક દિનેશભાઈ પરમાર નામના વેપારી કે જેઓ ગેસ સિલિન્ડરની ડીલેવરીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને રોકી તેમને ધમકી આપતા હતા અને તેમની પાસેથી આ લોકો દર મહિને 10 હજાર રૂપિયાનો હપ્તો તેમજ 1 ગેસ સિલિન્ડર મફત આપવાની માંગણી કરતા હતા. હિતેષ ચાવડા અને રાજુ ચાવડાની વર્ષા મેવાડા નામની એક મહિલાની પણ આ કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ કેસ થતા વર્ષા ફરાર થઈ ગઈ હતી.

પોલીસ ફરિયાદમાં દિનેશભાઇએ જણાવ્યું છે કે, ભરત મેવાડા કે જે વર્ષા મેવાડાનો પતિ છે તે હાલ તેના અગાઉના ગુનાના કારણે જેલમાં બંધ છે. અને આ લોકો તેના નામનો લાભ ઉઠાવી લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવે છે. હાલ તો પોલીસે આ સમગ્ર ગુનો નોંધીને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. તો ફરાર આરોપી વર્ષા મેવાડાને ઝડપી પાડવા તાજવીજ હાથ ધરી છે.