AhmedabadGujarat

બીજું બાળક ન થતા જેઠ, જેઠાણી અને પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

કેટલાક ઘરોમાં લગ્ન કરીને આવેલ પરિણીતાને દીકરી સમાન રાખવામાં આવે છે. તો કેટલાક ઘરમાં પરિણીતાને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યાં પરિણીતાને તેના જેઠ  જેઠાણી સતત માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન થયા બાદ પરિણીતા અને તેનો પતિ સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતાં. જ્યારે સાસુ સસરા હાજર હોય ત્યારે પરિણીતાના જેઠ જેઠાણી સારી રીતે રહેતા હતાં. પરિણીતાએ એક બાળકને જન્મ આપ્યા પછી બીજું બાળક થતું ના હોવાથી તેના જેઠ તેને આ બાબતને લઈને મેણા ટોણા મારવા લાગ્યો હતો. જેથી પરિણીતાનો પતિ પરિણીતા સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. પરિણીતાનો જેઠ તેના પતિને ખોટી ચઢામણી કરતો જેથી પતિ પરિણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. જો કે બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિણીતા આ બધું જ સહન કરીને પણ સાસરીમાં રહેતી હતી. પરંતુ તેનો પતિ તેની સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરવા લાગ્યો હતો. તેમજ એક દિવસ તો પતિ અને જેઠ જેઠાણીએ સાથે મળીને ખૂબ ગંદી ગંદી ગાળો બોલી અને ગડદાપાટુનો માર મારીને પરિણીતાને સાસરીમાંથી કાઢી મૂકી હતી.

નોંધનીય છે કે, પતિ અને જેઠ જેઠાણીએ સાસરીમાંથી કાઢી મુક્ત પરિણીતા પાસે પોલીસ ફરિયાદ કર્યા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હોવાથી તેણે તેના પતિ અને જેઠ-જેઠાણીની વિરુદ્ધમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે