ધર્મમાં માનવું એ સારી બાબત છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે અજાણી વ્યક્તિ ધર્મના નામે કોઈ છેતરપિંડી આચરીને જતું રહે છે. આવું જ કંઈક અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં સામે આવ્યું છે. જ્યાં એક કિન્નરે વિધિ કરવાના નામે એક પરિવાર સાથે છેતરપિંડી આચરી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જેને પોલીસે ફરિયાદના આધારે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણા પ્રજ્ઞેશ રામી હાલ તેમના પરિવાર સાથે અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તાર ખાતે આવેલ આશ્રય એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની, પુત્ર ખુશાલ અને પુત્રી બંસરી છે. પ્રજ્ઞેશભાઈ, પત્ની ધારા તેમજ તેમનો પુત્ર ખુશાલ ગત રોજ સવારના સમયે ઘરે હાજર હતા. તે દરમિયાન એક કિન્નર પ્રજ્ઞેશભાઈના ઘરના દરવાજા પાસે આવીને ઊભા હતા. ત્યારે કિન્નરે બહુચર માતા નો ફોટોગ્રાફ્સ પ્રજ્ઞેશના ઘરની બહાર લાગેલો જોઈને તેણે છેતરપિંડી આચરવાનો પ્લાન બનાવ્યો હતો.
પ્રજ્ઞેશભાઈને કિન્નરે કહ્યું હતું કે, તમે બહુચરાજી માતાજીના ખૂબ મોટા ભગત છો અને તમારા વિચારો ભક્તિમય છે એટલે જ તમારા ઘરે મને માતાજીએ મોકલ્યો છે. તમારા ઘરમાં મારે એક વિધિ કરવી છે. એ વિધિ કર્યા પછી તમારી બધી જ સમસ્યા દૂર થઇ જશે. આવી વાતો સાંભળીને પ્રજ્ઞેશને કિન્નર પર ઉપર વિશ્વાસ આવી ગયો હતો, જેથી તેમણે કિન્નરને પોતાના ઘરની અંદર બોલાવ્યા અને પછી કિન્નરે ઘરમાં વિધિ કરવાનું શરૂ કર્યું હતું. વિધિ થઇ ગયા પછી કિન્નરે પ્રજ્ઞેશ પાસે એક જોડી કપડાં તેમજ 22,321 રૂપિયાની માગણી કરતા પ્રજ્ઞેશે તે આપ્યું હતું. બાદમાં કિન્નરે એક કપડામાં તે રૂપિયા અને એક જોડી કપડાને મુકાવીને દોરીથી એક પોટલું બનાવીને ખુશાલના હાથમાં આપી દીધું અને કહ્યું કે આ પોટલું તું ઘરની બહાર સુધી મુકવા માટે આવ. કિન્નરે આ પોટલું ઘરની બહાર પહોંચતા જ ખુશાલ પાસેથી લઇ લીધું હતું અને કહ્યું હતું કે હવે તું ઘરે જતો રહે અને ઘરે જા ત્યારે પાછું ફરીને જોતો નહીં. તેથી કિન્નરના કહ્યા પ્રમાણે ખુશાલ ઘરમાં આવી ગયો ત્યારે કિન્નર ત્યાંથી ભાગી ગયો હતો.
નોંધનીય છે કે, કિન્નર પૈસા લઈને ભાગી જતાં પ્રજ્ઞેશ ભાઈને પોતાની સાથે છેતરપિંડી આચરાઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં કિન્નર વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ નોંધાવી છે. ત્યારે સાબરમતી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ છેતરપિંડી આચરનાર કિન્નરને ઝડપી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.