GujaratAhmedabad

ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવનું ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટું નિવેદન

રાજકોટ ની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપના કાર્યક્રમોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે આ વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકસભા બેઠક પર જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી વિરોધને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા દક્ષિણ ગુજરાત બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગર ના કમલમ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

જાણકારી મુજબ, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર ના ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં કારડીયા, નાડોદા રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જાણકારી અનુસાર, આ બેઠકમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય તેને લઇ ચર્ચા કરાઈ હતી. તેમજ ક્ષત્રિય સમાજમાં પ્રસરેલ રોષને શાંત પાડવા માટે ચર્ચા કરાઈ હતી.

તેની સાથે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો આ બેઠકમાં આવ્યા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશ હિત ખાતર અમે ભાજપને સમર્થન આપીશું. પરષોત્તમ રૂપાલા દ્વારા અગાઉ માફી માગી હોવાથી તે મુદ્દો હવે રહેલ નથી. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ પાસે જઈ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી આ મામલાને થાળે પાડવા ના પ્રયાસો કરીશું. જ્યારે સી. આર. પાટીલ દ્વારા સુરત ખાતે પણ કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.