GujaratAhmedabad

પાલડી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મી લલીતાબેન પરમારે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર બાબતો સામે આવતી રહે છે. જયારે આજે આવી જ બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પરણિત પ્રેમી સામે ફરિયાદ દાખલ કરી પ્રેમીની ધરપકડ કરવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, પાલડી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી લલીતાબેન પરમાર દ્વારા વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં ભાડાના મકાનમાં ગત ૨૯ તારીખના રોજ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આ મામલામાં વાસણા પોલીસ દ્વારા તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમના જ ગામમાં રહેનાર અને 19 વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર જશવંત ઉર્ફે જસલો રાઠોડના ત્રાસથી કંટાળીને મહિલા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતમાં વાસણા પોલીસ દ્વારા આરોપી જશવંત ઉર્ફે જસલા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

આ ઘટનામાં વધુ સામે આવ્યું છે કે, આરોપી જશવંત મૃતક લલીતાબેનને સતત ફોન કરતો રહેતો હતો. તેની સાથે વીડીયો કોલ કરીને નોકરી છોડી દેવાની સાથે બીજા સાથે વાત ન કરવા બાબતમાં સતત દબાણ કરીને ત્રાસ આપતો રહેતો હતો. આરોપી સતત હું કહું એટલું જ તારે કરવાનું તેમ કહીને દબાણ કરતો હતો. તેના લીધે લલીતાબેને અંતે કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ મામલામાં વાસણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

તેની સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ સ્યુસાઇડ નોટમાં લલીતાબેન દ્વારા આરોપી સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના દ્વારા સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, તે જસલો ઉર્ફે જશવંત રાઠોડ નામના વ્યક્તિથી કંટાળી ગઈ છે તેના લીધે તે આપઘાત કરી રહી છે. તે મને નોકરી કરવા દેતો નથી અને અવારનવાર મને ગાળો પણ બોલે છે. અંતે આ બધાથી કંટાળીને આપઘાત કરી રહી છે. વાસણા પોલીસ દ્વારા દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.